ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના જનપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે (Amit Shah) ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂ.૨૧૧ કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું.
શ્રી શાહે અમદાવાદ શહેર અને ઔડાના ૧૪ તળાવોને રૂ.૧૦૦ કરોડથી વધુના ખર્ચે ઇન્ટરલિંકિંગ કરીને પર્યટન સેન્ટર બનાવવાની શરૂઆત કરવા અંગે તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં નવા ૧૨૦૦ તળાવ બનાવવા અંગે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ
- ઔડા દ્વારા રૂ.૯૪.૯૫ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ બોપલ વોટર સપ્લાય પ્રોજેક્ટ
- ગોધાવી ખાતે રૂ.૯.૬૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,
- રૂ.૮ કરોડના ખર્ચે EWS નીલકમલ આવાસ યોજના હેઠળ ૭૦ આવાસોનું લોકાર્પણ
- રૂ.૭૭.૭૨ કરોડના ખર્ચે એસ.પી. રીંગ રોડ કમોડા જંકશન પર ફ્લાય ઓવરબ્રિજ
- રૂ.૧૨.૬૩ કરોડના ખર્ચે મણિપુર-ગોધાવી રસ્તા પર કેનાલ બ્રિજ બનાવવા ઉપરાંત
- રૂ.૧૦.૧૭ કરોડના ખર્ચે મિશન મિલિયન ટ્રીઝ
- આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૬.૦૬ કરોડના ખર્ચે ટ્રી પ્લાન્ટેશન પ્રોજેક્ટ
- ઔડા સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં રૂ.૫.૦૦ કરોડના ખર્ચે વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી
- કલોલ ખાતે રૂ.૨.૬૧ કરોડના ખર્ચે કપિલેશ્વર તળાવના રી-ડેવેલપમેન્ટની કામગીરી
- બોરીસણા ગામે રૂ.૧.૮૨ કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશનના અપગ્રેડેશનના કાર્ય સહિતના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમજ કચરાના કલેક્શન અને નિકાલ માટેના વાહનોને પ્રસ્થાન કરાવ્યું હતું.
આની સાથે જ મંત્રીશ્રી અમિતભાઈ શાહે શ્રી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રમુખ સ્વામી નગરની કળશ સ્થાપન વિધિમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, શ્રી પ્રમુખસ્વામીજી મહારાજે ભારતીય ધર્મ અને સંસ્કૃતિના ધ્વજવાહક બનીને વિશ્વભરમાં 1100 થી વધુ મંદિરોની સ્થાપના કરી.
માનવતાની સેવા માટે સમર્પિત તેમનું જીવન હંમેશા આપણને માર્ગદર્શન કરતું રહેશે. આ ઉપરાંત શ્રી અમિતભાઇ શાહે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે કટિબદ્ધતા વ્યકત કરતા વૃક્ષરોપણ કર્યું હતું અને જણાવ્યું હતું કે, સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ માટે વૃક્ષારોપણ અંત્યન્ત જરૂરી છે અને જનભાગીદારી તેનું અનિવાર્ય પાસું છે.
નવનિર્મિત મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોધાવી ખાતે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમિયાન ગુજરાતના વિકાસને અનેક આયામોમાં ગતિશીલતા આપી છે, દરેક ક્ષેત્રે ગુજરાતને વિકાસના નકશા પર દેશમાં પ્રથમ સ્થાને મૂક્યું છે.
ગુજરાતમાં પર્વતીય વિસ્તાર કે જંગલોમાં રહેતા આદિવાસી અને વનવાસી નાગરિક, સાગર કિનારે રહેતા સાગરખેડુઓના વિકાસ, ખેડૂતલક્ષી કામગીરી, ગ્રામીણ-શહેરી વિકાસ, ઔદ્યોગિક રોકાણ લાવવા કે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ રોડ-રસ્તા-ફ્લાયઓવરની વાત હોય, મેટ્રો લાવવાની હોય કે પર્યાવરણ ફ્રેન્ડલી બસોની વાત હોય, પ્રત્યેક ક્ષેત્રમાં ગુજરાતમાં વિકાસ સુનિશ્ચિત કરવાની કટિબદ્ધતા સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્ય કર્યું છે. ૨૦૧૪માં શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના વડાપ્રધાન થયા બાદ પણ શ્રીમતી આનંદીબેન પટેલ થી લઈને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી ગુજરાતમાં વિકાસની પરંપરા આજે પણ અવિરત રૂપથી ચાલુ છે.
હર ઘર તિરંગા અભિયાન
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં દેશના બાળકો, કિશોરો, યુવાનોને આઝાદીના સંઘર્ષની યાદ અપાવી તેમના માનસમાં રાષ્ટ્રભક્તિના સંસ્કાર જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશની અઝાદીના ૭૫ વર્ષથી ૧૦૦ વર્ષ એટલે કે શતાબ્દી સુધીની સફરમાં દેશને ઐતિહાસિક ઊંચાઈ પર લઈ વિશ્વમાં નંબર ૧ બનવાના સંકલ્પને સિદ્ધ કરવાની નેમ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન અનુસાર સમસ્ત દેશવાસીઓ અને ગાંધીનગર લોકસભા વિસ્તારના સૌ નાગરિકોને ૧૩,૧૪ અને ૧૫ ઓગસ્ટે નિવાસસ્થાન, ઓફીસ, કારખાના, કોમ્પ્લેક્ષ દરેક સ્થાનોએ તિરંગો લગાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીએ.
નાગરિકોને ઇ-કોમર્સ સાઇટ, કો-ઓપરેટિવ સોસાયટી, પોસ્ટ ઓફીસ સહિતના સ્થાનોએથી રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ થશે. ૧૩,૧૪ અને ૧૫ ઓગસ્ટના રોજ ઘર-કચેરીએ તિરંગો ફરકાવીને આપણને સૌને દેશને આઝાદી અપાવવા માટે સંઘર્ષ કરી પોતાનો જીવ ન્યોછાવર કરનાર અનેક નામી અનામી સ્વતંત્ર સેનાનીઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ આપવાનો અવસર પ્રાપ્ત થયો છે. શ્રી શાહે તમામ નાગરિકોને તિરંગો લગાવીને તેની સેલ્ફી ભારત સરકારની વેબસાઈટ પર અપલોડ કરવા આહવાન કર્યું હતું.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વિકાસના નકશા પર દેશમાં પ્રથમ સ્થાને મૂક્યું છે.
-શ્રી અમિતભાઇ શાહ
શ્રી અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, આજથી 15 વર્ષ પહેલાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જાસપુરમાં વિશ્વકક્ષાનો અદ્યતન વોટર શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવી ઔડા સમાવિષ્ટ વિસ્તારમાં નર્મદા મૈયાનું શુદ્ધ પાણી આપવાની શરૂઆત થઈ હતી અને આજે ૯૪.૯૫ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ બોપલ વોટર સપ્લાય પ્રોજેક્ટ થકી બોપલ-ઘુમા વિસ્તારના નાગરિકો આ કડી થી જોડાયા છે. શ્રી શાહે બોપલ-ઘુમા વિસ્તારની રહેણાંક સોસિટીઓને કહું જ ઝડપથી રજિસ્ટ્રેશન કરાવી શુદ્ધ પાણીનો લાભ લેવા માટે વિનંતી કરી હતી અને હવે બોપલ-ઘુમા વિસ્તારમાં ૭૦ હજાર નાગરિકોના ઘરે શુદ્ધ પાણી પ્રાપ્ત થશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આવનારા પાંચ વર્ષમાં અમદાવાદના કાલુપુર તેમજ સાબરમતી રેલવે સ્ટેશનને અત્યાધુનિક અને ભવ્યાતિભવ્ય બનાવવામાં આવનાર છે. ખૂબ આનંદની વાત છે કે સમગ્ર દેશમાં આદર્શ ગ્રામ તરીકે એક થી પાંચ ક્રમાંકમાં ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ ત્રણ ગામનો સમાવેશ કરાયો છે. નેનો તરલ યુરિયા બનાવતું વિશ્વનું સૌપ્રથમ કારખાનું કલોલ ખાતે કાર્યરત થયું છે.
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ડિસેમ્બર મહિના સુધીમાં ‘હર ઘર, નલ સે જલ’ યોજના પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું તેમજ પ્રધાનમંત્રી આયુષમાન ભારત યોજનાનો મહત્તમ લાભ અપાવવાનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે. આજે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી વિકાસના અનેકવિધ કામો થઈ રહ્યા છે તેનો મને અનહદ આનંદ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વર્ષ ૨૦૨૪ સુધીમાં ગાંધીનગર લોકસભા વિસ્તાર દેશના સૌથી વિકસિત લોકસભા વિસ્તાર તરીકે ઓળખાશે.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, અમદાવાદના મેયરશ્રી કિરીટભાઈ પરમાર, રાજ્યસભાના સાંસદશ્રી નરહરી અમીન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી હિતેશભાઈ બારોટ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખશ્રી અમિત શાહ, અમદાવાદ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી હર્ષદગીરી ગોસ્વામી, ધારાસભ્યશ્રીઓ શ્રી પ્રદિપસિંહ જાડેજા, શ્રી બાબુભાઈ જે. પટેલ, શ્રી કનુભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી કિશોર ચૌહાણ, કલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ, સંબંધીત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
Leave a Reply