ગુજરાત પોલીસને અત્યાધુનિક બનાવવા તથા રાજ્યના નાગરિકોની સુરક્ષા-સુવિધાઓમાં વધારો થાય તેવા પ્રોજેક્ટ તૈયાર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીને અભિનંદન પાઠવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યુ હતું કે, ગુજરાત પોલીસે વર્ષોથી દેશભરમાં અગ્રેસર રહેવાની પરંપરા નિભાવી છે. આ પ્રકારની ટેક્નોલોજી આધારીત નવી પહેલ થકી મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ટીમ ગુજરાત આ પરંપરા જાળવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે કહ્યું કે, દેશના સર્વાંગી વિકાસ માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે અને તેના માટે પોલીસ વિભાગનું આધુનિકીકરણ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટે રાજ્યના નાગરિકોની સુરક્ષામાં વધારો કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યભરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓની સંખ્યામાં પણ વધારો કરવો જરૂરી છે.
રેલ્વે સ્ટેશન, ખાનગી સોસાયટીઓ, બંદરો, યાત્રાધામો સહિતના તમામ સ્થળો પર લાગેલા કેમેરાઓ ખાનગી હોય તો પણ તેઓની સાથે સંપર્ક કરી ટેકનોલોજીની મદદથી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સિસ્ટમ સાથે જોડવા જોઈએ. સમગ્ર કેમેરાઓનું નેટવર્ક એક લિંકથી જોડાશે ત્યારે જ રાજ્યના સુરક્ષાચક્રની કલ્પના ખરા અર્થમાં રાજ્યના સુદર્શનચક્રમાં પરિવર્તિત થશે. રાજ્યના કોઈપણ સ્થળે કોઈ ઘટના ઘટે છે ત્યારે ત્યાં તરત જ આપણું પોલીસ તંત્ર પહોંચી શકે તેવો કનેક્ટિવિટીનો વ્યાપ વધારવા તેમણે સુચન કર્યુ હતુ.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ઈ-કોપની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દેશમાં આ પ્રકારની સેવાઓ આપવામા ગુજરાત પ્રથમ રાજ્ય હતું. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો કોમ્પ્યુટરરાઈઝ કરવામાં આવ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલથી માંડીને પોલીસ અધિકારીઓની તાલીમમાં ખાસ કોમ્પ્યુટરની તાલીમ પણ ઉમેરવામાં આવી હતી. આજે ત્રિનેત્રની પરિકલ્પના સાકાર થઈ રહી છે તેની શરૂઆત પણ આપણે ઈ – કોપથી જ શરૂ કરી હતી. ઈ-એફ.આઇ.આરની સુવિધા પણ ઈ-કોપના સોફ્ટવેરમાં હતી. ઈ-કોપથી ત્રિનેત્ર સુધીની ગુજરાત પોલીસની અદ્યતન થવાની યાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને ખરા અર્થમાં સાકાર કરી રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યુ કે, આજે સમગ્ર દેશના ૯૬ ટકા જેટલા પોલીસ સ્ટેશન ઓનલાઇન થયા છે. ઇન્ડિયન સાયબર કોઓર્ડીનેશન સેન્ટરની પણ રચના કરવામાં આવી છે. આ તમામ અદ્યતન ટેકનોલોજી ભારત સરકારે ખરીદી છે. કોઈ રાજ્ય સરકારે આ ટેકનોલોજી અલગથી ખરીદવાની જરૂર નથી માત્ર ભારત સરકાર પાસેથી એક્સટેન્શન લેવાની જરૂર છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ૮૦ના દાયકાથી લઈ ૨૦૨૨ સુધી બહુ મોટા સકારાત્મક ફેરફારો થયા છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં આટલું મોટું પરિવર્તન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ અને ગુનેગારો સાથેના સખ્ત વલણને પરિણામે જ શક્ય બન્યુ છે.
આજે રાજ્યમાં કરફ્યુ અને કોમી તોફાનો શબ્દ ભૂતકાળ બન્યા છે. રાજ્યની દરિયાઇ સીમાઓ ઘુષણખોરીથી ત્રસ્ત હતી આજે આ તમામ દરિયાઇ સીમાઓ સુરક્ષિત થઇ છે અને ઘુસણખોરી સંપૂર્ણ બંધ થઇ છે. એટલુ જ નહિ, ઘુસણખોરી, દાણચોરી સહિતના દૂષણો આજે ભૂતકાળ બની ગયા છે. આજે રાજ્યની પોલીસે આધુનિક, ટેકનોસેવી અને સંવેદનશીલ બની રાજ્યના વિકાસની ગતિમાં વધારો કર્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ની રાષ્ટ્રપતિની ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી સાબિત થઈ છે. નાત-જાતથી પર વિચારધારા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર કાર્ય કરી રહી છે. દેશનો સામાન્ય નાગરિક પણ દેશનું સર્વોચ્ચ પદ ધારણ કરી શકે છે. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એક સામાન્ય સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. જેમની સુશ્રી દ્રૌપદી મુર્મૂથી મહામહિમ દ્રૌપદી મુર્મૂ સુધીની સફરે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
શ્રી શાહે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત તમામ રાષ્ટ્રવાસીઓને તા.૧૩, ૧૪ અને ૧૫ ઑગષ્ટ દરમિયાન પોતાના ઘર ઉપર તિરંગો લહેરવવા અનુરોધ કર્યો છે. તેમણે ગુજરાતની જનતાને વડાપ્રધાનશ્રીની હાકલને ઝીલી લઈ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતનું કોઈ ઘર કે કોમ્પ્લેક્ષ તિરંગા વિના બાકી ન રહે તે માટે અપીલ કરી હતી. તિરંગો ઇ-કોમર્સ વેબાસાઈટ્સ અને પોસ્ટ ઑફિસમાંથી પણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની બે દાયકાની ઉજળી વિકાસયાત્રા પાછળ રાજ્યમાં પોલીસની સુસજ્જતા અને કાયદા-વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિ જવાબદાર રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના ગુજરાતના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુને વધુ સુદૃઢ બને તે આશયથી ટેકનોલૉજીના માધ્યમ દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા હતાં તેના પરિણામે આજે ગુજરાત દેશભરમાં સૌથી શ્રેષ્ઠ શાંત અને સલામત રાજ્ય બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યની આ અવિરત વિકાસયાત્રામાં પોલીસકર્મીઓની સેવાઓનું અપ્રતિમ યોગદાન રહ્યું છે. આજથી ૨૦ વર્ષ પહેલાં ગુજરાતના શહેરી વિસ્તારો ગુંડા-માફિયાના નામે ઓળખાતા હતાં અને શહેરોમાં તોફાન જેવી ઘટનાઓ છાશવારે બનતી હતી. કાયદો-વ્યવસ્થાની નબળી સ્થિતિએ ગુજરાતનો વિકાસ રૂંધી નાખ્યો હતો. પરંતુ જ્યારથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી તેમણે પોલીસ દળનું મનોબળ વધારવાના સતત પ્રયત્નો હાથ ધર્યા હતાં. જેના પરિણામે આજની યુવા પેઢીએ ગુજરાતમાં દંગા, તોફાન, કરફ્યુ જોયા જ નથી.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતની પોલીસ શાર્પ, સ્માર્ટ અને સતર્ક બને તે આશયથી ટેકનોલૉજીનો મહત્તમ ઉપયોગ કરી પોલીસ દળને વધુ સુસજ્જ બનાવવા માટે દૃષ્ટિવંત આયોજન કર્યું, જેના પરિણામે આજે ગુજરાત સ્માર્ટ પોલિસિંગ, પિપલ-ફ્રેન્ડલી પોલિસિંગથી વિકસિત રાજ્ય બન્યું છે. હવે તો ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે. આ ડબલ એન્જિનની સરકારનો વધુ લાભ આજે ગુજરાતની જનતાને ૪ નવાં રક્ષા-સુરક્ષા સુદ્રઢ કરતા પ્રકલ્પોના લોકાર્પણરૂપે મળ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ગુજરાત પોલીસ માટેના બોડી વોર્ન કેમેરાનું રાજ્યવ્યાપી રોલ-આઉટ કરાવ્યું છે. જેના પરિણામે પોલીસ-પ્રજા વચ્ચેના વ્યવહારને વધુ ફળદાયી બનશે અને અગત્યની ઘટનાઓના વિડિયો રેકોર્ડિંગ રાખવા માટે આ બોડી વોર્ન કેમેરા ખૂબ જ ઉપયોગી નીવડશે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસના સર્વોચ્ચ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં ત્રિ-નેત્રના શુભારંભ થયો છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયેલું આ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખરા અર્થમાં સરકારનું ત્રીજું નેત્ર બની નાગરિકોને વધુ સુરક્ષા પૂરી પાડવા મહત્વનો રોલ અદા કરશે. વિશ્વાસ પ્રોજેક્ટ સ્માર્ટ પોલિસિંગ માટે પોલીસ દળનું મહત્વનું પરિબળ પુરવાર થઈ રહ્યું છે. જે અંતર્ગત ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરાના રાજ્યવ્યાપી નેટવર્કથી રાજ્યના તમામ જિલ્લા મુખ્યમથકો ઉપરાંત સોમનાથ, દ્વારકા, અંબાજી, કેવડિયા જેવાં અગત્યનાં સ્થળોને પણ આવરી લેવામાં આવ્યાં છે. વિશ્વાસ પ્રોજેક્ટની મદદથી અત્યાર સુધીમાં ૩૪૦૦થી વધુ ગુનાખોરીના કેસ સરળતાથી ઉકેલવામાં સફળતા મળી છે. આગામી સમયમાં રાજ્યભરમાં વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક ગોઠવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વાહનચોરી, મોબાઈલની ચોરી કે એવી બીજી ગુનાઈત ઘટના, કે જેમાં કોઈ મારઝૂડ ન થઈ હોય, કોઈને ઈજા ન પહોંચી હોય, તેવા કેસમાં હવે નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે તે માટે ટેકનોલૉજીના માધ્યમ થકી રાજ્ય સરકારે ઓનલાઈન e-FIR નોંધાવવાની સુવિધા આજથી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે. રાજ્યમાં માનવ તસ્કરીને અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા એન્ટી હ્યુમન-ટ્રાફિકિંગ યુનિટના ૮૦ જેટલાં વાહનોનો શુભારંભ આજથી થયો છે, તે આવી ગુનાખોરીને ડામવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી માનવતાની મોટી સેવા કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના તત્કાલીન ગૃહ મંત્રી અને હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ લેવાયેલા નિર્ણયોથી માત્ર ગુજરાતને જ નહિ, સમગ્ર દેશના નાગરિકોને ઇ-ગવર્નન્સ મારફતે મહત્વની સેવાઓનો લાભ ઘરે બેઠા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ આજે ગુજરાતના નાગરિકોને મોબાઈલ અને વાહન ચોરી જેવા ગુનાઓમાં ઘરે બેઠા e-FIR થઈ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે.
શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી અત્યાર સુધીમાં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે અનેક નાગરિક કેન્દ્રિત નિર્ણયો લીધા છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે લોકાર્પિત કરાયેલા ગુજરાત પોલીસના ટેકનોલોજી આધારિત ચાર નવા આયામનો પણ સમાવેશ થાય છે, જે રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા ઉપરાંત તેમની સેવાઓમાં પણ વધારો કરવા મહત્વપૂર્ણ સાબિત થશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસને આઘુનિક બનાવવા ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે, આ માટે વિશ્વાસ પ્રોજેક્ટ થકી ૧,૫૦૦ જેટલા ચોરીના કેસો, ૯૫૦ અકસ્માતના કેસો તથા ૭૦૦થી વધુ અન્ય કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. ચોરાયેલા વાહનો તથા આરોપીઓને પકડવા માટે ત્રિનેત્રને પરિણામે સરળતા રહેશે. મોબાઈલ ચોરી તથા વાહન ચોરી અંગેની ફરિયાદ હવે e-FIRના માધ્યમથી એક ક્લિકથી ઓનલાઈન કરી શકાશે. એટલુ જ નહિ, આ e-FIR કર્યા બાદ પોલીસ કોઇ કારણસર એક્શન ન લઇ શકી તો આપોઆપ ૧૨૦ કલાકમાં એફ.આઇ.આર રજીસ્ટર થઇ જશે. આ પ્રકારની વ્યવસ્થા થકી માત્ર રાજ્યના નાગરિકોનો જ નહિ, પરંતુ પોલીસ વિભાગનો પણ સમય બચશે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ લાવવા માટે ડ્રગ્સ પેડલરોની બાતમી આપનારને રિવોર્ડ આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતે ૧૬૦ જેટલા કેસો કરીને ૧૫૩થી વધુ ડ્રગ્સ પેડલરોને પકડીને ૬૨૫ કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તે ઉપરાંત મહિલાઓ અને બાળ અત્યાચારના કેસોમાં રાજ્ય સરકારે ૫૦થી વધુ કેસોનો ઝડપી નિકાલ કર્યો છે, જે નાગરિકોની સુરક્ષા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, રાજયના પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત પદાધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.
Leave a Reply